રામાયણ માણસને જીવતા શીખવે છે અને ભાગવત માણસને મરતાં શીખવે છે.

Morari Bapu

રામાયણ માણસને શું કરવું તે શીખવે છે અને મહાભારત માણસને શું ન કરવું તે શીખવે છે, રામાયણ માણસને જીવતા શીખવે છે અને ભાગવત માણસને મરતાં શીખવે છે.



અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યમાં ચાર-પાંચ ગુજરાતીઓ રજાના દિવસોમાં ફરવા નીકળ્યા હતા, એક જગ્યાએ રોડની વચ્ચોવચ એક બોર્ડ હતું અને એમાં સૂચના હતી કે આગળ રસ્તો નથી, પરંતુ આ લોકો ગુજરાતી હતા, એક વ્યક્તિએ બીજાને કહ્યું કે એ લોકો ભલે લખે કે આગળ રસ્તો નથી પરંતુ રસ્તો હોવો જ જોઇએ, બોર્ડની બાજુમાંથી ગાડીને થોડી નીચે ઉતારીને ફરી રોડ ઉપર ચડાવીને જોયું તો ખરેખર રસ્તો હતો, ગુજરાતીઓ ખૂબ રાજી થયા.



ત્યાંથી એકાદ માઇલ દૂર ગયા હશે ત્યાં રોડની મઘ્યમાં ધરતીકંપના કારણે મોટી તિરાડ પડી ગઇ હતી, આ લોકોએ એકદમ શોર્ટ બ્રેક મારી એટલે બચી ગયા નહીંતર વાહન સાથે દરારમાં ગબડી પડ્યા હોત, પછી અંદરોઅંદર એકબીજા સામે જોઇને પાછા વળ્યા, ફરી પાછા પેલા બોર્ડ પાસે આવ્યા ત્યારે જોયું તો ત્યાંની સરકારે બોર્ડની પાછળ ગુજરાતીમાં સૂચના લખી હતી કે હવે તો ખાતરી થઇને કે આગળ રસ્તો નથી.



ત્યાંની સરકારને કેટલો ભરોસો હશે કે અમારી સૂચનાનું ઉલ્લંઘન કરીને જઇ શકે તો માત્ર ગુજરાતીઓ જઇ શકે, આ વાત માત્ર વિનોદ માટે કરી છે, પરંતુ આ વિનોદમાં પણ માનવજીવનનું સત્ય છુપાયેલું છે, પેલા બોર્ડની આગળ લખેલી અંગ્રેજી ભાષાની સૂચના છે તે આપણાં ધર્મગ્રંથોની વાતો છે.



આપણા સંતો તથા મહાપુરુષોની વાણી છે, એ વાતોને શ્રદ્ધાપૂર્વક અનુસરીને પાછા વળી જઇએ તો જીવનમાં વાંધો આવતો નથી, પરંતુ ધર્મોપદેશ અને વિદ્વાનોની વાતમાં અવિશ્વાસ કરીને ખુદનાં ખર્ચે અને જોખમે આગળ વધીએ, તો સમય બગડે, ઇંધણ બળે અને જ્યારે ઘાતમાંથી ઊગરી જઇને પાછા ફરીએ ત્યારે જીવને અનુભવથી જે જ્ઞાન મળે છે તે બોર્ડની પાછળ ગુજરાતીમાં લખેલી સૂચના છે.



વિવિધ ધર્મનાં ધર્મગ્રંથો આપણું માર્ગદર્શન કરે છે. રામચરિતમાનસનાં દરેક કાંડમાં વિદ્યાનો મહિમા થયો છે અને માનસના સાત કાંડમાં સાત અલગ-અલગ વિદ્યા તરફ સંકેત છે અને વિધવિધ પ્રકારની આ વિદ્યાઓ મનુષ્યને ઉત્તમ પ્રકારનું દર્શન આપે છે, બાલકાંડમાં બ્રહ્મવિદ્યા તરફ ઇશારો છે, પરબ્રહ્મ પરમાત્માના બાળ સ્વરૂપની વાતો વડે અહીં બ્રહ્મવિદ્યાનો ઉલ્લેખ થયો છે.



માતા કૌશલ્યાને ભગવાન જ્યારે વિરાટ બનીને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે ત્યારે માતા કહે છે કે પ્રભુ, તમે મારા પુત્ર સ્વરૂપે પધાર્યા હોય તો જગદીશ બદલે જીવ જેવું વર્તન કરો, અને માતાનાં વચન સાંભળીને રામ નવજાત શિશુના સ્વરૂપને ધારણ કરીને રડવા લાગે છે.



રામ જન્મ સમયે રડયા છે, કષ્ણ પણ જન્મ સમયે રડ્યા છે, દરેક મનુષ્યનો જન્મ રડતાં રડતાં થાય તે વધુ સ્વાભાવિક છે, ઘણાં લોકો એમ કહેતા હોય છે કે ફલાણી વ્યક્તિનો જન્મ થયો ત્યારે એ રડ્યા નહોતા અથવા તો ફલાણા માણસનો જન્મ થયો ત્યારે એમનાં મોઢામાં બત્રીસે બત્રીસ દાંત હાજર હતા, પરંતુ એ સ્વાભાવિક નથી, બાળકનાં મોઢામાં એક પણ દાંત ન હોય, કશું બોલતું ન હોય અને રડતું હોય એ જન્મ સમયની આદર્શ અવસ્થા છે.



સમય જતાં બાળકને બે દાંત ફૂટે, એ દાડમની કળી જેવા દાંતને જોવાની જે મઝા આવે, દરેક બાળક એ સમયે બાલકૃષ્ણ જેવો લાગે.



જો બાળક જન્મ સમયે રડે નહીં તો વિજ્ઞાન માટે ચિંતાનો વિષય બની જાય છે, દાક્તર અથવા દાયણ એને રડાવવાનાં પ્રયાસ કરે છે, માટે માણસ રડતાં-રડતાં જન્મે તે વધુ સ્વાભાવિક છે, ત્યાર બાદ તે હસતાં-હસતાં જીવે તે વધુ ઇચ્છનીય છે.



આપણી સૃષ્ટિમાં લાખો પ્રકારનાં જીવ છે એમાં હસવાનું વરદાન એકમાત્ર મનુષ્યને મળ્યું છે કારણ કુદરતને ખબર હતી કે સૌથી વધુ ચિંતામાં આ એક જ જીવ રહેવાનો છે એટલે હાસ્યની સૌથી વધુ આવશ્યકતા એને જ રહેવાની છે, માણસે હસતાં-હસતાં જીવવું જોઇએ અને નાચતાં-નાચતાં મરવું જોઇએ.



ચાર-પાંચ વરસ પથારીમાં પડ્યા રહેવું પડે અને પછી મોત આવે એ મોત સારું નથી પરંતુ એક જ મિનિટમાં કામ પતી જાય, નાચતાં-નાચતાં હરિવરને મળવા હાલી નીકળીએ તે મારી દ્રષ્ટિએ ઉત્તમ ગણાય, માટે હું માનું છું કે ક્રાઇંગ બર્થ, લાફિંગ લાઇફ અને ડાન્સિંગ ડેથ એ મનુષ્યના ઉત્તમ પ્રકારનાં જીવનનાં ત્રણ લક્ષણો છે.



બાલકાંડમાં બ્રહ્મવિદ્યા પછી અયોઘ્યા કાંડમાં રાજવિદ્યાનો મહિમા થયો છે, અયોઘ્યા કાંડમાં રાજનીતિની ચર્ચા છે, મહાભારતમાં દુર્યોધન સોયની અણી જેટલી પણ જમીન આપવા તૈયાર નથી અને રામાયણમાં અયોઘ્યાની ગાદી રામ અને ભરત વચ્ચે દડાની માફક ઊછળે છે જેને કોઇ સ્વીકારવા તૈયાર નથી.



રામાયણ માણસને શું કરવું તે શીખવે છે અને મહાભારત માણસને શું ન કરવું તે શીખવે છે, રામાયણ માણસને જીવતા શીખવે છે અને ભાગવત માણસને મરતાં શીખવે છે.



ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો હતો તે સમયનાં રામ અને બીજા જ દિવસે સવારે રાજગાદી બદલે ચૌદ વરસનો વનવાસ મળે છે તે સમયનાં રામ, આ બંને રામમાં તફાવત નથી, રાજગાદી કે વનવાસ ભગવાનની પ્રસન્નતામાં ફરક પાડી શકતા નથી માટે રામ સાચા અર્થમાં સ્થિતપ્રજ્ઞ છે.



રામ રાજગાદીને ભરત તરફ ફેંકે છે અને ભરતજી ગાદીને રામ તરફ ફેંકે છે, ન હુઆ બ્યાહ ન રહી કંવારી માફક અયોઘ્યાની રાજગાદી બંને તરફ ઉછળી રહી છે ત્યારે મહાન પ્રજ્ઞાવાન પુરુઢા ભગવાન વશિષ્ઠ એમ કહે છે કે ગાદી ઉપર કોને બેસવું એનો નિર્ણય કરતાં પહેલા ચાર વ્યક્તિનો અભિપ્રાય લેવો જોઇએ, (૧) સાધુ (૨) લોક (૩) રાજા (૪) વેદ.



અત્યારે દેશકાલ પ્રમાણે માત્ર લોકમત લેવામાં આવે છે, ઘણી વાર લોકમત કેવી રીતે લેવામાં આવે છે એની ચર્ચામાં મારે પડવું નથી પરંતુ રામચરિતમાનસના આધારે એમ કહી શકાય કે ભગવાન રામના સમયમાં ચાર પ્રકારના મત લેવામાં આવતા હતા અને લોકમત પહેલા સાધુમત લેવામાં આવતો હતો.



હવે સવાલ એ થાય કે સાધુ કોને કહેવો? મારી દ્રષ્ટિએ જેનું જીવન સાદું હોય, સાચું હોય અને સારું હોય તેનું નામ સાધુ.



મને ઘણી વાર વિચાર આવે કે માણસે કોને પ્રણામ કરવા જોઇએ, જે કપાળમાં તિલક કરે, હાથમાં માળા અથવા કમંડળ ધારણ કરે, જે ધોતી પહેરે અને પગમાં લાકડાંની પાદુકા પહેરે એને પ્રણામ કરવા કે હાફપેન્ટ પહેરીને પણ સંત જેવું જીવન જીવતાં હોય એવા સંસારીને પ્રણામ કરવા જોઇએ?



જેમની પાસે તિલક, માળા, કમંડળ, ધોતી અને પાદુકા છે એમને તો પ્રણામ કરવા જોઇએ પરંતુ સંસારીના લેબાશમાં ફરતા કોઇ સવાયા સન્યાસીને પણ એટલી જ શ્રદ્ધાથી નમન કરવું જોઇએ, કેવા માણસને નમવું જોઇએ એનો જવાબ સૌરાષ્ટ્રની અભણ ગંગાસતી એના ભજનમાં આપે છે અને કહે છે કે શીલવંત સાધુને વારંવાર નમવું જોઇએ, ગંગાસતીએ અહીં શીલ શબ્દ ઉપર ભાર મૂક્યો છે.



શિક્ષણસંસ્થામાં ત્રણ પ્રમુખ વિભાગ છે, સંચાલક, અઘ્યાપક અને વિદ્યાર્થી, દરેક વિદ્યાસંકુલનો અઘ્યાપક શીલવાન હોવો જોઇએ, વિદ્યાર્થી બળવાન હોવો જોઇએ અને સંચાલક કલવાન હોવો જોઇએ. અહીં કલ એટલે આવતીકાલ એવો અર્થ કરવાનો છે, જે સંચાલક પાસે ભવિષ્યનું દર્શન છે એ કલવાન છે.



વશિષ્ઠના કથન પ્રમાણે ત્રેતાયુગમાં ચાર અભિપ્રાયનું મહત્વ હતું, જેમાં સૌ પ્રથમ જેમનું જીવન સાદું, સાચું અને સારું હોય એવા શીલવાન સાધુઓનો મત લેવામાં આવતો અને ત્યાર બાદ જનતા જનાર્દન પાસેથી લોકમત લેવામાં આવતો હતો. રાજાનો મત અને વેદોનાં મતનું પણ એટલું જ મહત્વ હતું.



મેં શરૂઆતમાં કહ્યું તે મુજબ વેદો -શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં લખેલા સત્યને શ્રદ્ધાથી સ્વીકારીને માણસ પાછો વળી જાય તો જીવનમાં ઘાત ટળી જાય છે, સમય બચી જાય છે અને સંપત્તિનો વ્યય અટકી જાય છે. મનુષ્યને માનસની એકાદ વાત પણ સમજાઇ જાય તો બાકીનું સાચા અર્થમાં સુંદર બને.
(સંકલન : જગદીશ ત્રિવેદી)